શનિવારે સાંજે દિલ્હીમાં વરસાદને કારણે જૂના રાજેન્દ્ર નગરમાં રાઉ આઈએએસ કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે સાંજે 7 વાગ્યે માહિતી મળ્યા બાદ NDRFને બોલાવવામાં આવી હતી. મોડી રાત્રે ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ દરમિયાન 14 વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
ભોંયરામાં કેટલા વિદ્યાર્થીઓ ફસાયા તેની માહિતી બહાર આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાઈબ્રેરી સાંજે 7 વાગ્યે બંધ થઈ રહી હતી, તે જ સમયે વિદ્યાર્થીઓ બહાર આવી રહ્યા હતા. દરમિયાન ખૂબ જ વધારે દબાણ સાથે પાણી અંદર આવવા લાગ્યું હતું. પુસ્તકાલયમાંથી બહાર નીકળવા માટે એક જ દરવાજો છે. ભોંયરામાંથી બહાર નીકળવા માટે એક જ સીડી છે.
પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીએ જણાવ્યું કે અમે લાઇબ્રેરી ખાલી કરી ત્યાં સુધીમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું. પ્રવાહ એટલો જોરદાર હતો કે સીડીઓ ચઢવી મુશ્કેલ હતી. માત્ર 2-3 મિનિટમાં આખું ભોંયરું 10-12 ફૂટ પાણીથી ભરાઈ ગયું હતું. બાળકો બેંચ પર ઉભા હતા.
બાળકોને બચાવવા માટે દોરડા નાખવામાં આવ્યા હતા, પરંતુ પાણી ગંદુ હોવાથી દોરડા દેખાતા ન હતા. હાઈ પ્રેશરથી પાણી અચાનક અંદર કેવી રીતે આવ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ તપાસ કરી રહી છે. કોચિંગ માલિક અને સંયોજકની ધરપકડ કરવામાં આવી છે.
રસ્તા પર પાણી ભરાવાને કારણે ભોંયરામાંથી પાણી કાઢવામાં વિલંબ થયો હતો.
ફાયર ઓફિસર અતુલ ગર્ગે જણાવ્યું કે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ મોકલવામાં આવી હતી. શરૂઆતમાં રસ્તા પર પાણી ભરાવાને કારણે ભોંયરામાંથી પાણી નીકળતું ન હતું. થોડા સમય બાદ જ્યારે રસ્તા પરથી પાણીનું સ્તર ઓછુ થયું ત્યારે ભોંયરામાંથી પાણી નીકળવા લાગ્યું. અમે પંપ સ્થાપિત કરીને પાણી દૂર કર્યું. આ પછી વિદ્યાર્થીઓના મૃતદેહો મળવા લાગ્યા.
બચાવ કામગીરીના અંતે હજુ પણ 7 ફૂટ પાણી હતું.
પોલીસે જણાવ્યું કે બચાવ દરમિયાન બેંચ પાણીમાં તરતી હતી. જેથી બાળકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. મોડી રાત્રે જ્યારે રેસ્ક્યુ અંતિમ તબક્કામાં હતું ત્યારે હજુ પણ અંદર 7 ફૂટ પાણી હતું. દોરડાની મદદથી બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.