મેજબાન યૂએસએ અને આયરલેન્ડની વચ્ચે શુક્રવારે રમાયેલી આઈસીસી ટી 20 વિશ્વ કપ 2024ની 30મી મેચમાં વરસાદ વિઘ્ન બન્યો. રદ થયેલી આ મેચથી બંને ટીમોને એક એક પોઈન્ટ મળી ગયો. અમેરિકાની ટીમ 5 પોઈન્ટ લઈને સુપર 8માં પહોંચી ગઈ, જ્યારે પાકિસ્તાનનું આગામી પડાવમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. પહેલી વાર ટી 20 વિશ્વ કપમાં ઉતરેલી અમેરિકાની ટીમે ઈતિહાસ રચી દીધો. તેમણે પહેલા જ પ્રયાસમાં અહીં સુધીની સફર ખેડી છે. ફ્લોરિડાના લોડરહિલમાં રમાયેલી આ મેચમાં ટોસ પણ ન થઈ શક્યો.
અમેરિકા 4 મેચમાં 5 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન છે. આયરલેન્ડ બે મેચોમાં બે હાર સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. પાકિસ્તાન ત્રણ મેચોમાંથી એક જીત સાથે ત્રીજા સ્થાન પર છે, જ્યારે ભારત સતત 3 જીત સાથે 6 પોઈન્ટ લઈને ગ્રુપ ટેબલમાં ટોચ પર છે. અમેરિકાએ પોતાની પહેલી મેચમાં કેનેડાને હરાવ્યા, જ્યારે બીજી મેચમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો ઉલટફેર કરી દીધો. જો કે, ત્રીજી મેચમાં તેણે ભારત વિરુદ્ધ મળી હતી. પાકિસ્તાનની ટીમ જો પોતાની છેલ્લી મેચ આયરલેન્ડ વિરુદ્ધ જીતી પણ જાય તો પણ તેના વધુમાં વધુ 4 પોઈન્ટ જ થશે.
અમેરિકા ટી 20 વિશ્વ કપ 2024 સુપર 8માં પહોંચનારી છઠ્ઠી ટીમ બની. આ અગાઉ ભારત, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને વેસ્ટઈંડીઝની ટીમોએ સુપર 8માં એન્ટ્રી કરી લીધી છે. આ વિશ્વ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. તેને 5-5ના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ચારેય ગ્રુપની ટોપ બે ટીમોને સુપર 8ની ટિકિટ મળવાની છે.